કદમ હોય અસ્થિર જેના એને રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.

  • આ પંક્તિઓને હરિયાણાના સોનીપતની વતની અને 4 વર્ષના દીકરાની મમ્મી અનુ કુમારીએ ચરિતાર્થ કરી બતાવી છે. 

  • મધ્યમ વર્ગીય પરિવારની દીકરી અનુ કુમારી ભણવામાં ખૂબ હોશિયાર હતી. હાઇસ્કુલ સુધીનો અભ્યાસ પૂરો કરીને દિલ્હીની હિન્દૂ કોલેજમાં એડમિશન લીધું. સોનીપતથી દિલ્હી રોજ બસમાં અપડાઉન કરીને ફિઝિક્સ વિષય સાથે એણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું.  MBA  કરવા માટે પુના ગઇ અને ત્યાંથી જ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં નોકરી માટે એની પસંદગી થઈ.
  • ICICI પ્રુડેન્સિયલ મ્યુચ્યુઅલ ફંડમાં સારા પગારથી નોકરી મળી. થોડા સમયમાં લગ્ન થયા અને પોતાની ઘરગૃહસ્થીમાં પરોવાઈ ગઇ. ફૂલ જેવા એક દીકરાનો જન્મ થયો. નોકરી અને પરિવારમાં સમય પસાર થઈ રહ્યો હતો. અનુ કુમારીને એવું લાગતું હતું કે હજુ એની ક્ષમતાઓનો એ પૂર્ણ પણે ઉપયોગ નથી કરી શકતી. 

  • શાળા-કોલેજના અભ્યાસ દરમ્યાન શિક્ષકોએ યુપીએસસીની પરીક્ષા આપીને કલેકટર બનવાના સપના બતાવેલા. ત્યારે તો અનુએ પોતાના શિક્ષકોની વાતો પર બહુ ધ્યાન ન આપ્યું પણ હવે જ્યારે જીવનમાં ઠરીઠામ થઇ ત્યારે યુપીએસસીની પરીક્ષા આપીને કલેક્ટર બનવાનો વિચાર આવ્યો. પરિવારમાં બધાને વાત કરી અને આ માટે બધા તરફથી સહકાર મળ્યો.

  • જૂન 2016માં ઊંચા પગારની નોકરીમાંથી રાજીનામુ આપ્યું અને પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા ગઈ. લોકો વાતો કરતા હતા કે 2 વર્ષના દીકરાની માં દેશની  અઘરામાં અઘરી પરીક્ષા હોવી આ ઉંમરે શુ પાસ કરવાની ! પણ અનુ કુમારી કોઈની વાતો સાંભળ્યા વગર પોતાના કામમાં લાગી ગઇ. દીકરો વિઆન જો સાથે હશે તો વાંચવામાં ધ્યાન નહિ લાગે એવું જણાતા દીકરાને પોતાના માતાને ત્યાં મૂકી આવી અને પોતે માસીબાને ત્યાં ગામડે વાંચવા માટે જતી રહી.

  • દિકરાથી દૂર રહીને એ ખૂબ દુઃખી થઇ છે પણ દેશ માટે કંઈક કરવું હતું અને એ માટે થોડું તો બલિદાન આપવું જ પડે. જ્યારે દીકરાને મળે ત્યારે મા-દીકરો બંને ચોધાર આંસુએ રડે. યુપીએસસીની પ્રથમ પરીક્ષા વખતે તો બરોબર તૈયારી નહોતી થઇ શકી એટલે એ નાપાસ થઈ. સવારના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીની જાત મહેનતના ફળસ્વરૂપે બીજા પ્રયત્નમાં એ સફળ રહી. 

  • થોડા સમય પહેલા જાહેર થયેલા યુપીએસસીના પરિણામમાં 4 વર્ષના દીકરાની માએ ડંકો માર્યો અને સમગ્ર ભારત દેશમાં બીજો નંબર મેળવ્યો. પોતાની મહેનત, પરિવારનો સાથ અને ભગવાનની કૃપાથી કલેકટર બનવાનું સપનું 2 વર્ષ કરતા પણ ઓછા સમયમાં સાકાર થઈ ગયું. 

  • મિત્રો, આપણી પાસે તમામ સુવિધાઓ હોવા છતા, તમામ પ્રકારની અનુકૂળતાઓ હોવા છતા ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી કારણકે આપણે આપણી જાતને આપણા ધ્યેય પ્રત્યે સમર્પિત કરી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *